રાજકોટમાં આવેલ ચરેલ ગામની ઘટના એ સાબિત કર્યું “શરમ ગુજરાતની…”

Hits: 27

‘સાહેબ, અમારી બે દીકરીઓને એ લોકો ઉપાડી ગયેલા અને ત્રણ દિવસ ગોંધી રાખી… પછી પરત મૂકી ગયેલા. અને ધમકી પણ આપેલી કે જો કોઈને કશું કહ્યું જીવતા નહિ રહો…’

માથે આઘુ ઓઢી આંખના ભીના ખૂણા સાફ કરતી રડમસ અવાજે એક પ્રોઢ સ્ત્રી દશેક વર્ષ પહેલાંની પોતાની આપવીતી કહી રહી હતી… ‘કહો સાહેબ આવું થાય પછી અમારે હવે જીવવું કેમ..? દીકરીઓને ક્યાં વરાવવી..?’

એક સત્તર-અઢાર વર્ષની છોકરી આંખ્યુંમાં આંસુ સાથે અંગારા વર્ષાવતી બોલી, ‘સાહેબ, હું વાડામાં પેશાબ કરવા જાઉ તો પણ એ લોકો મેડી ઉપર ચડી જોયા રાખે… ગંદા ઈશારા કરે… અમારે ક્યાં સુધી મારી માને સાથે લઈ જવી અને તેમને અમારી આડે ઊભી રાખી પેશાબ-પાણી કરવા..? જુસ્સાભેર બોલતી અને કહેવાતા આઝાદ ભારતની એ ગુલામ દીકરીના પ્રશ્નનો અમારી પાસે કોઈ જવાબ નહોતો.એક ત્રીસેક વર્ષના જુવાને અદબ સાથે ધીમા પણ મક્કમ અવાજે કહ્યું કે, મેં પંદર દિવસ એ લોકોને ત્યાં મજૂરીકામ કર્યું. પૈસા માગ્યા તો ધમકાવીને કાઢી મુક્યો… આજ સુધી મારા પૈસા નથી આપ્યા.

અને પછી તો સામુહિક રજૂઆતો થઈ. અમારા ગામમાં નથી અમને મંદિરમાં પ્રવેશવા દેવામાં આવતા કે નથી તો જાહેર જમણવારમાં અમે ગામલોકોની સાથે બેસી ખાઈ-પી શકતા. અમારા વિસ્તારમાં પીવાના પાણી કે રોડ-રસ્તા જેવી કોઈ પ્રાથમિક સુવિધાઓ નથી. ઉચ્ચ વર્ગના પુરુષો નીકળે તો અમારા બૈરાઓએ લાજ કાઢી બાજુમાં ઉભું રહી જવાનું. નહીંતર મન પડે એવી ગાળો દઈ અપમાનિત કરે. રોજી રળવા અમારે એ લોકોના વાડી-ખેતરમાં જ ફરજીયાત કામે જવું પડે છે.ગામમાં બીજોકોઈ ધંધો નથી. જેથી અમે તેમની ગુલાબી કરવા મજબૂર છીએ. એટલે અત્યાચારોની તો હવે પરાકાષ્ઠા આવી ગઈ છે… બસ, હવે તો એક જ રસ્તો છે… અમે આ ગામ છોડી જવા માંગીએ છીએ. દુનિયાના ગમે તે છેડે જઈશું પણ આ ગામમાં તો નહીં જ રહીએ. લગભગ 45 પરિવારોના 150 જેટલા મજબૂર લોકો પોતાની વિતકકથા અમારી સામે વર્ણવ્યે જતા હતા.હા, આ વાત છે રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં આવેલ ચરેલ ગામની.

ગત તા.19/05/2020ના રોજ આ ગામના એક ઉચ્ચ ગણાતી જ્ઞાતિના યુવરાજસિંહ પવુભા જાડેજા નામના વ્યક્તિ દ્વારા સીમમાં મજૂરી કામે જઈ રહેલ અનુસૂચિત જાતિની ચન્દ્રિકાબેન ભીખાભાઇ બોરીચા નામની સ્ત્રીની બદકામના ઇરાદે હુમલો કરી માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી ક્રુરતાથી હત્યા કરવામાં આવી. સાથે રહેલી બહેનો ઉપર પણ પાવડાનઆ હાથાથી હુમલો કરવામાં આવ્યો.

આ બનાવથી વર્ષોથી મૂંગા મોંએ અત્યાચાર સહન કરી રહેલ આ ગામના અસ્પૃશ્યોનો દાબી રાખેલ ગુસ્સો જાણે કે ફાટી નીકળ્યો. ‘હવે કાં તો આ પાર કાં પેલે પાર…’ અને ચરેલ ગામના આ 45 જેટલા અનુસૂચિત જાતિના પરિવારોએ ગામમાંથી હિજરત કરવાનો નિર્ણય કર્યો.

આ નિર્ણયની જાણ બે’ક દિ’ પહેલાં આ લોકોએ એક લેખિત આવેદનપત્રના રૂપમાં રાજકોટના કલેક્ટર અને SPને કરીને પોતાની પીડા વર્ણવી.
જેથી હરકતમાં આવેલ વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના ટોચના અધિકારીઓ અને સામાજિક આગેવાનોની એક ટીમ દ્વારા આજે ચરેલ ગામની રૂબરૂ મુલાકાત કરવામાં આવી.ગામમાં પ્રવેશી અમે સૌ પ્રથમ પીડિત પરિવારની મુલાકાત લીધી.

જે ઘરની રિદ્ધિ-સિદ્ધિ-સમૃદ્ધિ રૂપી સ્ત્રી ચાલી ગઈ હોય તે ફળિયા કે ઘર કેવું નિસ્તેજ લાગે તેનો અનુભવ મને એ ઘરમાં પ્રવેશતા જ થયો. ભગવાનનું માણસ ગણાવી શકાય એવા ભીખાભાઈ (મૃતકના પતિ)નો રડમસ ચહેરો જોઈ તેમને શું આશ્વાસન આપવું એ જ ન સમજાયું. માંડ ત્રણેક વર્ષનો પ્રિયાંશ હવે બાપને જ ‘મા’ માનીને તેના ખોળામાંથી હેઠો જ નહોતો ઉતરતો. જાણે કે મા પાસે જવાનું વેન કરી સતત રડ્યે રાખતો હતો. સાતેક વર્ષના દીકરા સિદ્ધાર્થના ચહેરા ઉપર પણ માતાની જુદાઈનો ગમ એક મહિના પછી પણ સાફ વર્તાતો હતો.

‘ઘરડે ઘડપણ મારા નસીબમાં જ આ પીડા લખાઈ હતી…?’ એવું વિચારનાર સિત્તેર આસપાસ પહોંચેલા કાળીબેન (ભીખાભાઈની માતા)ની આંખમાંથી આંસુ સુકાતા નથી. તેઓ એક જ વાત પોપટની જેમ રટ્યા કરે છે…’બસ, હવે અમારાથી આ ગામમાં નહીં રેવાય.’

થોડીવારમાં તો આજુબાજુના બૈરાઓથી આખું ઘર ભરાઈ ગયું.(પણ ઘરના બૈરાં વગર બધું નકામું) અનેક સ્ત્રીઓ પોતાની આપવીતી અને કડવા અનુભવો કહી ભીની આંખે પોતાની પીડા વર્ણવ્યે જતી હતી. અમે શાંતિથી સૌને સાંભળ્યા અને સધિયારો આપ્યો.

રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક(SP), કલેકટરના પ્રતિનિધિ તરીકે ટ્રેઇની IAS અધિકારી, રાષ્ટ્રીય અનુ.જાતિ આયોગમાં સબ કમિટિ મેમ્બર રહી ચૂકેલા ડૉ. સુનીલ જાદવ, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન બાલુ ભાઈ વિંઝુડા, નરેશભાઈ પરમાર, રમેશ સોલંકી (જનરલ સેકેટરી, લોકહિત ટ્રસ્ટ), ભૂપેન પરમાર (પ્રેસિડેન્ટ, લોકહિત ટ્રષ્ટ) ,જીતેન્દ્ર સોલંકી(ઉપપ્રમુખ, રાજકોટ જિલ્લા કોગ્રેસ કમિટી અનુ. જાતિ મોરચો ) પ્રમુખશ્રી ઈલાબેન કાનજી પરમાર ( તાલુકા પંચાયત કચરી જામકંડોરણા) જયેશ કુમાર (મેમ્બર ઓફ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જીગનેશ મેવાણી ગૃપ ) દેવદાનભાઈ મુછડીયા (એડવોકેટ શ્રી અને પ્રેસિડેટ ઓફ રાષ્ટ્રીય દલિત મહાસંઘ) યોગેશ ભાષા તંતી શ્રી સૌરાષ્ટ્ર હોટ ક્રાઈમ પ્રેસ રિપોર્ટર અને સન ઓફ ડી.એલ.ભાષા(પ્રમુખશ્રી ધોરાજી નગરપાલિકા ) ભરત બગડા પ્રેસ રિપોર્ટર ધોરાજી, વિપુલ બગડા ઝેડ ન્યૂજ ઝાલાવાડ રિપોર્ટર તથા અશોકભાઈ સોલંકી, જીતુભાઈ સોલંકી, ગેલાભાઈ પાતર અને નરેન્દ્ર સોલંકી( ખજૂરડા ગામનાં દલિત સમાજ ગૃપ) સહિતના આગેવાનોના આ પ્રતિનિધિ મંડળ દ્વારા પીડિત પરિવાર સહિત અત્યાચારનો ભોગ બનેલા અનુ.જાતિના પરિવારોની રજુઆત સાંભળી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ગામના ઉચ્ચ જ્ઞાતિના લોકોના અત્યાચારોથી ત્રસ્ત અને અસ્પૃશ્યતાનો ભોગ બનનારા આ લોકોએ અંતે જણાવ્યું હતું કે અમારી યાતનાઓના અંતનો એકમાત્ર માર્ગ ‘હિજરત’ જ છે. હવે અમે આ અત્યાચારી લોકોની શારીરિક, માનસિક ગુલામી સ્વીકારી શકીએ તેમ નથી. જન્મભૂમિ છોડવાની પીડા અમે જાણીએ છીએ. પરંતુ અમારા સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે અમારી પાસે આ જ એકમાત્ર માર્ગ બચ્યો છે. અમારી સ્ત્રીઓ-દીકરીઓની આબરૂ બચાવવા ગામ છોડવા સિવાય અમારી પાસે કોઈ રસ્તો બચ્યો નથી.

આમ ચરેલ ગામમાં અસ્પૃશ્યતા અને અત્યાચારનો ભોગ બનેલા લોકોએ આવનાર દિવસોમાં ગામમાંથી હિજરત કરવાની જાહેરાત કરી હતી.

ગૌરવ ગુજરાતનું નહિ પણ “શરમ ગુજરાતની” બીજું તો શું કહેવું..!

લેખક : સુનિલ જાદવ


નોંધ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.
આપણું પેજSatyakamમાણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

અમને ફોલો કરવા ફેસબુક, ટ્વીટર અને યુ ટ્યુબ પર ક્લિક કરો. અને રોજ રોજ નવા ન્યુઝ અને નવા અપડેટ મેળવતા રહો.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!