સુરતના પર્વત પાટિયા વિસ્તારની ગણેશનગર સોસાયટીના રહીશો ગટરના ગંદા પાણી ભરાઈ જવાથી પરેશાન, સ્થાનિકોમાં રોષ.

Hits: 224

એક બાજુ સરકાર અને પ્રશાસન કોરોના મહામારી વચ્ચે લોકોને સાવચેતી રાખવાની મોટી મોટી સલાહ આપી રહ્યું છે તો બીજી બાજુ માસ્ક વગરના લોકો પાસેથી સ્વાસ્થ્યની ચિંતા હોવાના દેખાડા કરીને સરકાર અને પ્રશાસન મોટા મોટા દંડ વસૂલવામાં વ્યસ્ત છે. ત્યારે સુરતના પર્વત પાટિયા વિસ્તારની ગણેશનગર સોસાયટીની પરિસ્થિતિએ સુરત મહાનગર પાલિકા તથા ભાજપના નેતાઓ અને કોર્પોરેટરોની લાપરવાહી અને મસમોટા ભ્રષ્ટાચારની પોલ ખોલી છે.

ગટરના પાણી લોકોના ઘરમાં ઘુસી જાય છે છતાં પણ કોઈ નેતા , કોર્પોરેટર કે પછી ધારાસભ્ય લોકોની સંભાળ લેવા પણ આવતા નથી.


વિકાસના નામે થોડા સમય પહેલા સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી ખાડીનું રિડેવલપિંગ અને બ્યુટીફિકેશનનું કામ કરવામાં આવ્યું હતું. ખાડી પાકી બનાવ્યા બાદ ખાડીના આસપાસની તમામ સોસાયટીઓની ડ્રેનેજ અને વરસાદી પાણીની ગટરોનું કામ નવેસરથી કરવામાં આવ્યું અને આખી ગટરલાઇન નવેસરથી નાખવામાં આવી હતી. પરંતુ વરસાદી ગટરો અને ડ્રેનેજ ગટરોનું કામ કરનાર અધિકારીઓના ખુબ જ ભયંકર ગેરવહીવટ અને ભ્રષ્ટાચારને લીધે આજે ગણેશનગર સોસાયટીઓના રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહયા છે.

પરિસ્થિતિ એટલી હદ સુધી ખરાબ છે કે સોસાયટીના કેટલાક રહીશો તો ચોમાસા પૂરતા પોતાના ઘરને તાળા મારીને પોતાના સગા – સંબંધીઓને કે ઓળખીતાઓના ઘરે લાચાર બનીને રહેવા જવા માટે મજબૂર બન્યા છે.

દર વર્ષે ચોમાસામાં સોસાયટીની તમામ ગટરો ઓવરફ્લો થવા લાગે છે. અને ગટરોનું પાણી એટલી હદે સોસાયટીમાં પ્રવેશે છે કે લોકોના ઘરમાં 3 – 3 ફૂટ સુધી ગટરના પાણી ભરાઈ જાય છે. સોસાયટીના રહીશોએ સુરત મ્યુનિસિપાલિટીના અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરી તેમના વિસ્તારના કોર્પોરેટર રશ્મિકાબેન પટેલને રૂબરૂમાં સમસ્યા અંગે માહિતગાર કરવા બોલાવ્યા પરંતુ ન તો મ્યુનિસિપાલિટીના અધિકારીઓ કે ન તો વિસ્તારના કોર્પોરેટર કોઈ જ તેમની સમસ્યા સાંભળવા માટે તૈયાર નથી. કોર્પોરેટર રશ્મિકાબેન પટેલ એ તો એવું કહી દીધું કે જ્યારે જ્યારે ખાડીમાં પાણી વધશે ત્યારે ત્યારે તમારી સોસાયટીમાં ગટરનું પાણી આવશે જ. કોર્પોરેટર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના આવા બેજવાબદાર વર્તનથી ગણેશનગર સોસાયટીના રહીશોમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે. સોસાયટીના સ્થાનિકોએ પ્રેસ અને મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું કે અમારા બધા જ એપાર્ટમેન્ટના પોતાના બોર છે મ્યુનિસિપાલિટીનું પાણી હજી કોઈના ઘરમાં આવતું નથી જ્યારે પણ ચોમાસામાં ખાડી અને ગટરલાઇન ઓવરફ્લો થાય છે ત્યારે અમારી સોસાયટીમાં આવેલા સીતા પેલેસ એપાર્ટમેન્ટ , સુરક્ષા એપાર્ટમેન્ટ તથા બાજુમાં જ આવેલા અને ખાડીની નજીક જ રહેલા ભગવાન સ્વામિનારાયણ મંદિરના બોરમાં પણ ગટરના ગંદા પાણી ઉતારે છે અને એ તીવ્ર દુર્ગંધ મારતું અને કાળું પાણી સોસાયટીના લોકોના ઘરમાં નળ દ્વારા આવે છે. પાણી પીવાની વાત તો દૂર રહી પરંતુ ઘરમાં જો પાણીનો નાળ ચાલુ કરીયે તો પણ પાણીની તીવ્ર દુર્ગંધથી ઘરમાં રહેવું ભારે પડી જાય છે. એટલું જ નહિ ગણેશનગર સોસાયટીની પાછળના ભાગમાં આવેલ ખાલી ખેતર પણ આખું ગટરના પાણીથી ભરાઈ જતા સોસાયટીમાં ડેન્ગ્યુ અને મેલેરિયા સહિતના મચ્છરોનો ખુબ જ ઉપદ્રવ વધ્યો છે તેથી હવે સમગ્ર ગણેશનગર સોસાયટી ભયંકર રોગચાળામાં સપડાઈ જવાની ભયાનક સ્થિતિ ઉત્પન્ન થઇ હોવા છતાં પણ તંત્ર દ્વારા સ્થાનિકોની સમસ્યાના નિવારણ માટે કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી.

બોટલમાં ભરેલા પાણી પરથી જ ખબર પડે છે કે જે પાણી આપણે જોઈ પણ ન શકીયે એટલી હદ સુધી ગંદુ પાણી લોકોના ઘરમાં પીવા માટે આવે છે. હવે જો આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ?

છેલ્લા 2 વર્ષથી દર ચોમાસામાં સોસાયટીના રહીશો આ ભયંકર સમસ્યાનો સામનો કરી રહયા છે મ્યુનિસિપાલિટીના અધિકારીઓથી લઈને મગોબ વોર્ડના ભાજપના કોર્પોરેટર સુધી અનેક ફરિયાદો કરવા છતાં પણ તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કોઈ નેતા કે કોઈ સરકારી અધિકારી તૈયાર નથી. તેથી હવે સોસાયટીના રહીશોમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો છે અને સોસાયટીના તમામ સભ્યો દ્વારા ગટરલાઇનના કામકાજમાં ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર કરનાર તમામ મ્યુનિસિપાલિટીના અધિકારીઓ અને કર્મચારીઓ પર હવે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી પ્રશાસન દ્વારા કરવામાં આવે એવી તીવ્ર માંગણી કરવામાં આવી છે. જો સુરત મહાનગર પાલિકા દ્વારા ભ્રષ્ટાચારી કર્મચારીઓ અને અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવામાં નહિ આવે અને તેમની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નહિ આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ગણેશનગર સોસાયટીના રહીશો દ્વારા ઉચ્ચારવામા આવી છે.
હવે સવાલ એ થાય છે કે થોડા સમય પહેલા જ ભારત સરકાર દ્વારા સુરત શહેરને દેશનું બીજું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું ત્યારે ભાજપના નેતાઓથી લઈને ગુજરાત સરકાર સુધી બધા જ તેનો જશ પોતાના માથે લેવા માટે ઉતાવળા બન્યા હતા ત્યારે સુરત મહાનગર પાલિકાનો આ ભયંકર ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર ભારત સરકારના સર્વે પર પણ અનેક સવાલો ઉભા કરી રહ્યો છે.

ગટરના પાણી માત્ર સોસાયટીમાં જ નહિ પરંતુ સોસાયટીની પાછળ આવેલા ખેતરમાં પણ ભરાઈ જાય છે તેનાથી સમગ્ર સોસાયટીમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના મચ્છરોનો ઉપદ્રવ ખુબ જ વધી ગયો છે હવે આ વિસ્તારમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી મહામારી ફેલાય તો તેના માટે માત્ર ને માત્ર સુરત મહાનગર પાલિકાના ભ્રષ્ટાચારી કર્મચારીઓ જ જવાબદાર હશે તેવું જણાવીને સ્થાનિકો ભારોભાર રોષ ઠાલવી રહયા છે.

શું સ્વચ્છતાના સર્વે કરતી વખતે સરકારને શહેર વચ્ચે પ્રદુષણ અને ગંદકી ફેલાવતી ખાડીઓ અને ઉભરાઈને લોકોના ઘરમાં ભરાઈ જતી ગટરો ના દેખાઈ? ગણેશનગર સોસાયટી સહિત સમગ્ર વિસ્તાર જો રોગચાળામાં સપડાશે તો જવાબદાર કોણ?

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

તુષાર પટેલ

સહ સંપાદક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!