મિનિસ્ટર પુત્ર એટલે રાજા ! – રમેશ સવાણી

Hits: 18

એક મિનિસ્ટર અને એક ફિક્સ પગારના મહિલા કોન્સ્ટેબલની વાત સોશિયલ મીડિયામાં ફરી રહી છે. સુરતની હિરાબજારમાં 9 જુલાઈ, 2020 ના રોજ રાત્રે 10.30 વાગ્યે એક ઘટના બની. એક કારમાં માસ્ક વગર પાંચ જણા આવે છે અને કર્ફ્યુનો ભંગ કરે છે. ત્યાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સુનિતા તેમને રોકે છે.

બાદમાં ત્યાં મિનિસ્ટરના પુત્ર MLA લખેલી કાર લઈને મિત્રોને છોડાવવા આવે છે. જીભાજોડી થાય છે. મિનિસ્ટર પુત્ર પોતાના પિતા સાથે વાત કરવા પોતાનો ફોન કોન્સ્ટેબલ સુનિતા યાદવને આપે છે. સુનિતા વિવેકથી મિનિસ્ટર સાથે વાત કરે છે.

મિનિસ્ટર પુત્ર સુનિતાને કહે છે : “તને 365 દિવસ અહીં ઊભી રખાવીશ !” સુનિતા રોકડું પરખાવે છે : “તમને આવી સત્તા કોણે આપી? મારી બદલી કરાવી નાખજે; તમારા ગુલામ છીએ? તારા બાપની નોકર છું?”

પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવનાર સુનિતા યાદવ ધન્યવાદને પાત્ર છે. PI અને તેનાથી ઉપરના પોલીસ અધિકારીઓ મિનિસ્ટરની તરફેણ કરશે; કેમકે તેમને હોદ્દા ઉપર રહેવું છે. કોન્સ્ટેબલ સુનિતાએ બદલીની પરવા કર્યા વિના મિનિસ્ટર અને તેમના પુત્રને અરીસો બતાવી દીધો છે.

મોટા અધિકારીઓ જે હિમ્મત ન કરી શકે તે હિમ્મત ત્રણ વર્ષની નોકરીવાળા નાના કર્મચારીએ કરી છે. એવું પણ બન્યું હોય કે સુનિતાએ પણ વધુ પડતી કડકાઈ કરી હોય, ગંદા શબ્દોનો પ્રયોગ કર્યો હોય. સત્તા હોય ત્યારે વિવેક જાળવવો અતિ મુશ્કેલ હોય છે.

તેમ છતાં સુનિતાની નોકરીની શરુઆત જોતાં તેમને માર્ગદર્શનની જરુર હતી. નવાઈની વાત એ છે કે પોઈન્ટ ઉપર તેમની સાથે કાયમી કોન્સ્ટેબલ/હેડ કોન્સ્ટેબલને મૂકવામાં આવ્યા ન હતા.

એક તરફ મિનિસ્ટર છે; બીજી તરફ કોન્સ્ટેબલ છે. બિલકુલ સામસામેના છેડા કહેવાય. વાત કરવાની રીતમાં કોન્સ્ટેબલ ઉપર રહે છે અને મિનિસ્ટરપુત્રનું સ્તર નીચું રહે છે.

મિનિસ્ટર કહે છે કે ‘જો મારા પુત્રએ કર્ફ્યુ ભંગ કર્યો હોય તો તેની સામે કાયદેસર કાર્યવાહી કેમ ન કરી?’ પ્રશ્ન એ છે કે સુનિતાને તેના PIએ પોઈન્ટ છોડીને જતા રહેવાની સૂચના આપી હતી; તો આવી કાર્યવાહી કરવાની ફરજ PIની હતી; તે ફરજ PIએ કેમ બજાવી નહીં?

મિનિસ્ટર અને તેમના પુત્રની માનસિકતા મુજબ કોન્સ્ટેબલ તો જાણે ગુલામ છે ! મિનિસ્ટર પુત્ર એટલે રાજા ! જો મિનિસ્ટરને કોની સાથે, કેવી રીતે વાત કરવી તેની સૂઝ ન હોય તો વાંક તો એને MLA તરીકે ચૂંટનાર મતદારોનો જ કહેવાયને?

લોકો જ્યારે કોઈને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટે છે, ત્યારે કાળજી લેતા નથી; એનું આ ઉદાહરણ છે. સૌથી વધુ વાંક તો આવા MLAને મિનિસ્ટર બનાવનારનો કહેવાય કે નહીં?

Writer: Ramesh Savani (Rtd. IPS)

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!