દુનિયામાં જે કામ થયાં છે, તે આકાશી માણસે નહીં; ધરતીના માણસે કર્યા છે !

Hits: 12

એક આંખ ખોલનારી વીડિયો ક્લિપ જોવા મળી. તેમાં સ્વામિનારાયણ સાધુ અને સ્વામિ સચ્ચિદાનંદજીના વિચારો એક સાથે મૂક્યા છે.

સ્વામિનારાયણના અલગ ફિરકાના એટલે કે BAPSના જ્ઞાનવત્સલ્ય સાધુ કહે છે : “મહંતસ્વામિ મહારાજ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા/ન્યૂઝીલેન્ડ/એશિયા પેસેફિકની ધર્મયાત્રાએ પધારેલા. એ ધર્મયાત્રા પૂરી કરીને પાછા ફરતા હતા ત્યારે હોંગકોંગમાં એક હોટલમાં 22 માળે તેમનો ઉતારો હતો. સ્યુટનો પડદો ખસેડ્યો તો હોંગકોંગ ડાઉનટાઉન આખું દેખાતું હતું; 50-70 માળના હાઈરાઈઝ સ્કાઈસ્ક્રેપર દેખાતા હતા. તે જોઈને મહંતસ્વામી હસ્યા.

સેવકે પૂછ્યું : ‘સ્વામિ શું વિચારતા હતા?’ મહંતસ્વામિએ પોતાના હ્રદય તરફ આંગળી કરીને ઠાવકાઈથી કહ્યું : ‘આ બધાં અહીં બેઠાં છે, તે એવું માનતા હશે કે અમે દુનિયા ચલાવીએ છીએ. પણ એ લોકોને ખબર નથી કે અનંત કોટિ બ્રહ્માંડનું સંચાલન અહીંથી થાય છે !’ મહંતસ્વામિ પોતા ઉપર આંગળી કરીને બોલ્યા!”

સ્વામિ સચ્ચિદાનંદજી કહે છે : “આપણા દેશની આ દશા છે. હું તો લોકોને પૂછું છું કે જર્મનીમાં એકેય ભગવાન કેમ ન જન્મ્યો? અમેરિકા/જાપાનમાં/ઈંગ્લેન્ડમાં એકેય અવતાર કેમ ન થયો? ત્યાં કોઈ ઝૂંપડપટ્ટી નથી; કોઈ હાડમારી નથી, કોઈ મુશ્કેલીઓ નથી. જ્યાં અહીં અવતારો થયા; હાલે તો 1000 જેટલા જીવતા અવતારો છે; તેમાં બે-ત્રણ તો મારા ઓળખીતા છે. હું તેમને કહું છું કે ‘તમે ખરેખર ભગવાન હો તો સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની ખેંચ છે; ગુંડાગીરી વકરી ગઈ છે; એ દૂર કરોને !’ ત્યારે એ કહે છે કે ‘અમે આ લોકની પંચાત કરતા નથી; પરલોકની પંચાત કરીએ છીએ !

આ લોકમાં જે સુખદુખ હોય તે ભોગવી લેવાના !’ હું કહું છું કે ‘અમારે તો એવો ભગવાન જોઈએ કે આ લોકની ચિંતા કરતો હોય.’ લોકો પણ ગાંડા છે, ટોળેટોળાં પાછળ ફરે છે. જીવતા ભગવાનો/માતાજીઓ/પ્રગટબ્રહ્મસ્વરુપો તમને શું આપે છે? કહે છે : મોક્ષ આપે છે ! કોણ જોવા ગયું છે મોક્ષને? કોણીએ ગોળ લગાડીને ઉધારનો સોદો કરે છે ! અહીં પાણી વિના ટટળો છો; ઝૂંપડપટ્ટીમાં રહો છો; દૂધ ચોખ્ખું મળતું નથી; ઘી ચોખ્ખું મળતું નથી; અહીં જેટલું દુખ છે એટલું દુનિયામાં કોઈ જગ્યાએ નથી ! કનડગતનો પાર નહીં.

ઓફિસરોની કનડગત. અસામાજિક તત્વોની કનડગત. રાજકારણીઓની કનડગત. જીવવું તે કઈ રીતે જીવવું? તોય કહો છો કે આ બધાં ભગવાનો છે ! કંઈક ભૂલ થઈ રહી છે. કંઈક સમજણમાં ભૂલ થઈ રહી છે. પેલા વગર ભગવાને આટલા સુખી છે ! દુનિયામાં જે કામ થયાં છે, તે આકાશી માણસે નહીં; ધરતીના માણસે કર્યા છે !”

Writer: Ramesh Savani (Rtd. IPS)

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!